નર્મદા જિલ્લામાં QR કોડવાળી ૪,૫૧,૪૦૩ મતદાર સ્લીપોનું BLO દ્વારા કરાયું વિતરણ.

Published on BNI NEWS 2022-11-27 21:38:13

  • 27-11-2022
  • 382 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  - QR કોડ સ્કેન કરતા જ જોવા મળે છે મતદારની વિગતો : મતદાર સ્લીપની પાછળ મતદાન મથકનો ગૂગલ મેપ પણ અપાયો છે.
  - નર્મદા જિલ્લાના બંન્ને વિધાનસભા મત ક્ષેત્રોમાં QR કોડવાળી મતદારની વિગતો દર્શાવતી સ્લીપનું થઈ રહેલું વિતરણ.
  ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ નર્મદા જિલ્લામાં ૧ લી ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન સંદર્ભે જિલ્લામાં મુક્ત અને ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આદર્શ આચારસંહિતા અમલ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિવિધ કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અંતિમ ચરણમાં આગળ ધપી રહી છે.ત્યારે ૨૧ મી નવેમ્બરથી જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં સંબંધિત BLO ઓફિસરો દ્વારા QR કોડવાળી મતદાર માહિતી સ્લીપના વિતરણના કરાયેલા પ્રારંભ અંતર્ગત ગઈકાલ ૨૫ મી નવેમ્બર,૨૦૨૨ સુધીમાં જિલ્લામાં કુલ-૪,૫૧,૪૦૩ જેટલી વોટર્સ સ્લીપ મતદારોને ડોર-ટુ-ડોર વિતરણ કરવામાં આવી છે.
  વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જિલ્લાના બન્ને વિધાનસભા મત વિસ્તારમાં યુધ્ધના ધોરણે વોટર્સ સ્લીપ વિતરણની થઈ રહેલી આ કામગીરી અંતિમ ચરણમાં પહોંચી છે અને બાકી રહેલા અન્ય મતદારોને પણ આ વોટર્સ સ્લીપના વિતરણની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે નાંદોદ વિધાનસભા મત વિસ્તાર માટે કુલ-૨,૩૫,૧૭૯ જેટલાં મતદારોને વોટર્સ સ્લીપ વિતરણ કરવાની કામગીરી સામે ગઇકાલ સુધીમાં કુલ-૨,૩૦,૮૩૦ જેટલાં મતદારોને આ વોટર્સ સ્લીપનું વિતરણ થઈ ચુક્યુ છે.તેવી જ રીતે દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે કુલ-૨,૨૨,૭૦૧ જેટલા મતદારોને વોટર્સ સ્લીપ વિતરણ કરવાની કામગીરી સામે ગઈકાલ સુધીમાં કુલ-૨,૨૦,૫૭૩ જેટલાં મતદારોને આ વોટર્સ સ્લીપનું વિતરણ કરાયુ છે. આમ, જિલ્લામાં કુલ-૪,૫૭,૮૮૦ વોટર્સ સ્લીપ વિતરણ કરવાની કામગીરી સામે ગઇકાલ સુધીમાં કુલ-૪,૫૧,૪૦૩ વોટર્સ સ્લીપનું વિતરણ કરાયુ હોવાની જાણકારી જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થઈ છે.
  અત્રે નોંધનીય છે કે, મતદાર સ્લીપમાં આ વખતે ફોટોને બદલે QR કોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. આ QR કોડ સ્કેન કરતા જ મતદારની વિગતો જોવા મળે છે. ઉપરાંત, સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, મતદાર ભાગ નંબર તથા સરનામુ, મતદાર ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઈ.ઓ.ની વેબસાઈટ, સી.ઈ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નં-૧૯૫૦ વગેરે જેવી વિગતો દર્શાવવામાં આવી છે.મતદાર સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે. આ સ્લીપમાં મતદાનની તારીખ ૧ લી ડિસેમ્બર,૨૦૨૨ તેમજ મતદાનનો સમય સવારે ૮ થી સાંજે ૫ પણ દર્શાવવામાં આવ્યો છે.