છેલ્લા પાંચ વર્ષમાં નર્મદાજિલ્લાની જનતાને શું મળ્યું અને શું ગુમાવ્યું?

Published on BNI NEWS 2022-11-27 18:10:35

  • 27-11-2022
  • 369 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
   - પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાનો કેવો થયો વિકાસ થયો વિકાસ?અને કેવો થયો રકાસ?
  - રાજપીપળા નગરપાલિકાને સરકારે કરોડોની ગ્રાન્ટ આપી,છતાં ખાડે ગયેલો નગરના વિકાસના નાણાં ક્યાં ગયા?
  - નાંદોદ વિધાનસભા સભા બેઠક પર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ભાજપને નડશે?
  - રાજપીપળાને ખાડા નગરીનું બિરુદ મળ્યું કોના પાપે?
  - બબ્બે વાર નિષ્ફ્ળ ગયેલી ભૂગર્ભ ગટર યોજના રાજપીપલાના ત્રીજી વાર પણ નિષ્ફ્ળ ગઈ.
  - એક વર્ષ થયું છતાં લોકોને નથી મળી ભૂગર્ભ ગટરલાઈન કે નથી મળી ગેસ પાઇપ લાઈન?
  - નગર પાલિકા પાસે ભાજપાની પૂર્ણ બહુમતી હોવા છતાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની મીલીભગત સામે જનતા નારાજ.
  - રાજપીપળા નગર પાલિકા એ રાજપીપળાના વિકાસને હાંસિયામાં ધકેલી દીધું.
  નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભાની બે બેઠકો પર પહેલી ડિસેમ્બરે મતદાન થવાનું છે.ત્યારે ચૂંટણીને જ્યારે હવે માંડ ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો ચૂંટણી જંગ જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.ધૂળિયા ગામડા ખુંદીને મતદારોને રીઝવવા ચૂંટણી જંગ જીતવા સામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવી રહ્યા છે.
  જોકે ટૂંકા ગાળામાં તમામ ઉમેદવારોને મોટાભાગના ગામડાઓમાં મતદારો સુધી પહોંચવું અશક્ય છે. છતા પણ રોજના 15, 20 ગામડાઓમાં નાની મોટી મીટીંગો, સભાઓ કરીને મતદારો સુધી પહોંચવાનો ઉમેદવારો પ્રયાસ કરી રહ્યા છે.પણ સો ટકા તમામ મતદારો સુધી કોઈપણ ઉમેદવાર પહોંચી શક્યું નથી. એની પ્રજાએ નોંધ લીધી છે. મતદારો કહી રહ્યા છે કે અમારે ત્યા કોઈ ઉમેદવાર મત માંગવા આવ્યું નથી! પ્રજાએ એની પણગંભીર નોંધ લીધી છે કે પાંચ વર્ષમાં ક્યારેય ન દેખાતા ઉમેદવારો કે રાજકીય પક્ષના નેતાઓ માત્ર ચૂંટણી તાણે જ મત માંગવા આવતા  હોય છે.દર વર્ષે જાતજાતના વચનો આપે છે.પણ મોટાભાગના વચનો પાળતા નથી એની પણ જનતાને નોંધ લીધી છે.
  છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાની જનતાને શું મળ્યું? શું મેળવ્યું અને શું ગુમાવ્યું?એના રાજકીય લેખા જોખા જોઈએ તો જનતાને ખાસ કશું મળ્યું નથી.
  નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળાનો વિકાસ હાસિયામાં ધકેલાઈ ગયો છે.કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ પાછળ કરોડોની ગ્રાન્ટ ખર્ચાઈ અને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થયો પણ રાજપીપળાનો ખાસ કોઈ વિકાસ થયો નથી.આ વખતની ચૂંટણીમાં રાજપીપળાનો ખાડે ગયેલો વિકાસ ઉમેદવારોને નડી રહ્યો છે.
  રાજપીપળાનો બે વર્ષ પહેલાં બાંધેલો તકલાદી બાંધકામ વાળોરાજપીપલા રામગઢનો પુલ આજે બંધ કરવાનો વારો આવ્યો છે.રામગઢના ગ્રામજનોને ત્રણ ત્રણ વાર પૂલ બંધ થવાને કારણે ફેરો ફરીને જવાનો વારો આવતા રામગઢના મતદારો નારાજછે. આ મતદારો આ વખતે ઉમેદવારોને રોકડો જવાબ આપશે.તો બીજી તરફ રાજપીપળા નગરપાલિકાનો વિકાસ  પણ ખાડે ગયો છે.એક વખતની સંસ્કાર નગરી રાજપીપળા આજે ખાડા નગરી બની ગઈ છે.
   ગેસની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરના નામે ચોમાસા પહેલા આખુ રાજપીપળા ખોદી નાખ્યું છે.જેને કારણે રાજપીપળામાં ખાડા વાળા રસ્તાઓ ચોમાસામાં ધોવાઈ ગયા,રસ્તાઓનું લેવલિંગ ન થયું. જેને કારણે આજે રાજપીપળાની જનતા ખૂબ જ નારાજ છે.આજે પણ નથી મોટાભાગના લોકોને ભૂગર્ભ ગટરની લાઈન મળી કે નથી ગેસની પાઈપ લાઈનનું જોડાણ મળ્યું.રાજપીપળામાં ત્રીજી વખત ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ હોવાનું લોકો કહી રહ્યા છે.
  કરજણ જળાશય યોજનામાંથી રાજપીપળા ની જનતાને પીવાનું શુદ્ધ પાણી આપવાનો પ્રોજેક્ટ પણ બીજી વાર નિષ્ફળ ગયો છે.કરોડોના ખર્ચે આ બનાવેલો પ્રોજેક્ટ આજે પણ ધૂળ ખાય છે. આ પ્રોજેક્ટ ફરીથી ચાલુ કરીને પ્રજાને શુદ્ધ પીવાનું પાણી આપવાના વચનો પોકળ પુરવાર થાય છે જેની જનતાએ ગંભીર નોંધ લીધી છે.એટલું ઓછું હોય તેમ રાજા રજવાડા વખતની એક વખતની રાજપીપળા અંકલેશ્વરની બ્રોડગેજ લાઈન ટૂંકા ગાળામાં જ બંધ કરી દેવાઈ છે એને ફરીથી ચાલુ કરવા અનેક વખત પ્રજાની રજૂઆતનું પરિણામ શૂન્ય આવ્યું છે.એટલુંજ નહીં આ રાજપીપલા લાઈનને કેવડિયા સુધી લંબાવવાની વાત પણ સરકારે સ્વીકારી નથી.એ ઉપરાંત અહી રેલ્વે સ્ટેશન પાસે જે એડવાન્સ રિઝર્વેશન કરવાની જે કચેરી હતી.તે પણ બંધ થઈ ગઈ.જેને કારણે આજે પ્રજાને રેલવેનું રિઝર્વેશન કરવા ભરૂચ,સુરત,વડોદરા સુધી લાંબા થવું પડે છે. 
  જેને કારણે ગરીબ મધ્યમ વર્ગના મજૂરી કરતા લોકો અને વેપારી વર્ગને ભારે નુકસાન થતાં આ લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.
  રાજપીપળા નગરમાં કરોડોના ખર્ચે બનાવેલા નવા રસ્તાઓ સાવ તકલાદી પુરવાર થયા છે. ચોમાસા પહેલા નવા જ બનાવેલા રસ્તાઓ ચોમાસાના વરસાદમાં ધોવાઈ જતા કરોડોનો ખર્ચો પાણીમાં ગયોછે આજે ફરીથી પ્રજાને આ જ ખાડાવાળા રસ્તાઓમાં અટવાવાનો વારો આવ્યો છે.આ તકલાદી કામોમાં મોટો ભ્રસ્ટાચાર થયો હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છેજેનાથી પણ પ્રજા નારાજ છે.એ ઉપરાંત કરજણ ઓવારો છેલ્લા બે વર્ષથી તૂટી ગયા પછી દર વર્ષે કરજણ પૂરના પ્રવાહમાં ધોવાઈ ગયો અને વધુ તૂટતો જઈ રહ્યો છે.પરંતુ આજ દિન સુધીતેને રિપેર કરવાની તંત્રએ દારકાર લીધી નથી.એટલું જ નહીં પણ કરજણ નદીને કિનારે રિવરફ્રન્ટ બનાવવાના વચનો પોકળ પુરવાર થયા છે. માત્ર નગર પાલિકા ગ્રાન્ટ મંજુર થઈ છે નું ગાણુ ગાયા કરે છે પણ હજી સુધી બધાને તેનો કોઈ લાભ મળ્યો નથી.ચૂંટણી પહેલા આ બધું થયું હોત તો પ્રજાને આનંદ થાત.
  એટલું જ નહીં કરજણ પુલ નીચે આવેલ તડકેશ્વર મંદિર આખેઆખુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, સ્મશાન તરફ જવાનો રસ્તો તૂટી ગયો અને દર વર્ષે તેનું ધોવાણ થતું જાય છે.સંરક્ષણ દિવાલ ન બનવાને કારણે પાણીમાં મંદિર ગરકાવ થઈ ગયું. એનાથી ધાર્મિક લોકોની લાગણી દુભાઈ છે. એટલું જ નહીં ખેડૂતોને સ્મશાન જવાનો રસ્તો પણ નવો બન્યો નથી. મંજૂર થયા ની વાતો થઈ રહી છે પણ હજી સુધી એ રસ્તાનો લાભ પ્રજાને મળ્યો નથી.એનાથી પણ પ્રજા નારાજ છે.એ ઉપરાંત રાજપીપળા દબાણોની નગરી બની ગઈ છે.ઠેર ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકાએ કોઈ જ પગલાં લીધા નથી. આડેધડ પાર્કિંગને કારણે બજારોમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.શાક માર્કેટ રોડ પર લારી ગલ્લા અને બોર્ડ, લટકણીયાના દબાણોએ લોકોને ચાલવાનું મુશ્કેલ બનાવી દીધું છે.લોકોને ચાલવા માટેની ફૂટપાથ હવે રહી નથી.ફૂટપાથ ઉપર લોકોએ લારી ગલ્લાના દબાણો વધારી દીધી છે.કેટલાકે તો ફૂટપાથ ઉપર લારી ચણી દીધી છે.નગર પાલિકાએ ફૂટપાથ લોકોને ચાલવા માટે બનાવી છે કે લારી ગલ્લા ચલાવવા માટે?
  નગરમાં આડેધડ પાર્કિંગને કારણે લોકોને ભારે તકલીફ પડતી હોઈ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.
   રાજપીપળામાં ઘણા વખતથી રખડતા ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેઠેલા ઢોરોને કારણે પડવા વાગવાના અને અકસ્માતના બનાવો બને છે. પણ રખડતા ઢોરોનો પ્રશ્ન હલ કરવામાં નગર પાલિકા તંત્ર સદંતર નિષ્ફ્ળ ગયું છે.રાજપીપળાની પ્રજા નારાજ છે.
  રાજપીપળામાં ઘણા વખતે મેડિકલ, ઈજનેરી કોલેજની માંગ થઈ છે હજુ પણ ઈજનેરી કોલેજના ઠેકાણા નથી રાજપીપળા સિવિલ હોસ્પિટલના આરોગ્યના ગંભીર પ્રશ્નો વારંવાર રજૂઆત કોઈએ ધ્યાન આપ્યું નથી.હોસ્પિટલમાં ડોક્ટર ને સ્ટાફની નિમણૂક નથી થઈ.આજે પણ સિરિયસ કેસો વડોદરા કેમ રીફર કરવામાં આવે છે.?ઘણા દર્દીઓ તો સમય સારવાર ન મળવાને કારણે રસ્તામાં જ દમ તોડી દે છે.એ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ખૂબ જ ખરાબ છે. કરોડો ના ખર્ચે બનાવેલા રસ્તાઓના તકલાદીકામોની પોલ વરસાદે ખોલી નાખી છે.ખાસ કરીને ચોમાસામાં એમને ભૂરા હાલ થયાં છે. સરકારે પ્રજાને આવા ખાડા બચાવવાંની કસરત કરાવીને હેરાન કર્યા છે
  ડુંગરના જંગલ વિસ્તારના અંતરિયાળ ગામોની અંદર પણ નેટવર્કનો બહુ મોટો પ્રશ્ન આજે પણ છે.જેને કારણે કોરોનામાં શિક્ષણ કાર્ય નહીં થતાં ઓનલાઈન શિક્ષણ ગામડાઓ સુધી પહોંચી શક્યું ન હતુ.નર્મદા જિલ્લામાં રોજગારીના પણ એટલાજ ગંભી પ્રશ્નો છે.સરકારે ઘણા વખતથી કર્મચારીઓની ભરતી કરી નથી. મોટેભાગે ફિક્સ પે વેતનથી અને કોન્ટ્રાક્ટ બેઝ પર લોકો કામ કરી રહ્યા છે.જેને ગમે ત્યારે છુટા કરી દે છે. ટાટ ની પરીક્ષા પાસ કર્યા પછી પણ ભરતી ન થવાને કારણે ડિગ્રીધારી યુવાનો ભરતી ન થવાને બેકાર બની ગયા છે. શિક્ષકોના,કર્મચારીઓના ઘણા પ્રશ્નો હજી પણ હલ થયા નથી જેનાથી કર્મચારીઓ પણ નારાજ છે.બીજી તરફ વારંવાર પેટ્રોલ, ડીઝલ,ખાતરના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવને કારણે મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે.
  ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાની જનતાને શું મળ્યું? શું ગુમાવ્યું?એ પ્રશ્ન ચૂંટણી ટાણે ચર્ચાઈ રહ્યો છે.પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાનો કેવો થયો વિકાસ થયો વિકાસ?અને કેવો થયો રકાસ?એ પ્રજાની નજર સામે છે.
  રાજપીપળા નગરપાલિકાને સરકારે કરોડોની ગ્રાન્ટ આપી, છતાં ખાડે ગયેલો નગરના વિકાસના નાણાં ક્યાં ગયા?એ સવાલ પણ લોકો પૂછી રહ્યા છે.
  ત્યારે આ વખતે નાંદોદ વિધાનસભા સભા બેઠક પર ભાજપને નગરપાલિકાનો ભ્રષ્ટાચાર નડશે?કે કેમ એ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.નગર પાલિકા પાસે ભાજપાની પૂર્ણ બહુમતી હોવા છતાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની મીલીભગત સામેપણ જનતા નારાજ છે ત્યારે આજે રાજપીપળા નગર પાલિકા એ રાજપીપલાના વિકાસને હાંસિયામાં ધકેલી દીધુંછે એના માટે જવાબદારકોણ એ પ્રશ્ન લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.