દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના ૧૦૯ વર્ષીય શતાયુ મતદાર નગરીયાભાઈ વસાવા કરશે મતદાન.

Published on BNI NEWS 2022-11-26 15:54:02

  • 26-11-2022
  • 102 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  - શતાયુ વટાવી ચૂકેલા ગુલવાણી ગામના લાડકીબેન તડવીએ ૧૯૫૧ થી આજદિન સુધી યોજાયેલી ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા,લોકસભાની તમામ ચૂંટણીઓમાં કર્યું છે.
  - આયુષ્યની સદી ફટકાર્યા પછી પણ અણનમ રહેનારા વડીલ-બુઝૂર્ગ મતદારો મતદાનથી અળગા રહેનારા સશક્ત મતદારોને મતદાન માટે ચીંધે છે પ્રેરક રાહ
  નર્મદા જિલ્લાનાં અંદાજે ૬૬૪૪ જેટલા વડીલ બુઝૂર્ગ-વયોવૃધ્ધ મતદારોમાં દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના વતની ૧૦૯ વર્ષીય નગરીયાભાઇ હુંડિયાભાઈ વસાવા કહે છે કે, મારી ઉંમર વધુ હોવાથી મને ચાલવાની પણ ઘણી તકલીફ છે.હું અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કરતો આવ્યો છું.આ વખતે પણ પેહલી ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે હું પોતે મારા મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે જવાનો છું.આ લોકશાહીના મહાપર્વમાં આપણે સૌ મતદાન કરીને પોતાની ફરજ અદા કરીએ તેવી પણ અન્ય મતદારોને અપીલ કરી હતી.
  જ્યારે ગરૂડેશ્વર તાલુકાના ગુલવાણી ગામના શતાયુ વટાવી ચૂકેલા લાડકીબેન નાગજીભાઈ તડવીના પૌત્ર ભાવેશ તડવી કહે છે કે દેશની આઝાદી બાદ ૧૯૫૧-૫૨ થી આજદિન સુધી યોજાયેલી ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા-લોકસભાની તમામ ચૂંટણીઓમાં તેમના દાદીમાએ અચૂક મતદાન કર્યું છે અને આ વખતે પણ તેઓ પોતે મતદાન કરવા માટે અચૂક જવાના છે,તેની તત્પરતા દર્શાવી હતી. અમારા સમગ્ર પરિવારને અવશ્ય મતદાન કરવા માટેની તેઓ પ્રેરણા પૂરી પાડે છે.
  નાંદોદ તાલુકાના ધમણાછા ગામના વતની અને શતાયુ વટાવી ચૂકેલા ગોરધનભાઈ રામાભાઈ વસાવા જણાવી રહ્યા છે કે જ્યારથી મને મતદાન કરવાનો અધિકાર મળ્યો ત્યારથી હું દરેક ચૂંટણીમાં મતદાન કરતો આવ્યો છું.આ વખતની ચૂંટણીમાં પણ હું મતદાન કરવા માટે જવાનો છું.મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે તો બીજા લોકોએ પણ મતદાન કરી લોકશાહીમાં પોતાની ફરજ અદા કરવી જોઈએ.તેવી મારી સૌને અપીલ છે.
  ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના વતની અને ૧૦૨ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા પાર્વતીબેન મનસુખભાઈ તડવીના પુત્ર શંકરભાઈ તડવી જણાવી રહ્યા છે કે, અમારા માતા પાર્વતીબેનને વધુ ઉંમરના કારણે સાંભળવા અને ચાલવામાં થોડી તકલીફ થાય છે પરંતુ અગાઉ તેઓ અમને હંમેશા કહેતા કે લોકશાહી પર્વ જ્યારે આવે ત્યારે અવશ્ય મતદાન કરી એક નાગરિક તરીકેની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ, તેઓ એમ પણ કહેતા કે જ્યારથી તેમને મત આપવાનો અધિકાર મળ્યો ત્યારથી અવશ્ય દરેક ચૂંટણીમાં મત આપવા માટે જતા હતા.હાલમાં ૧ લી ડિસેમ્બરે યોજનારી વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં પણ તેઓ મતદાન કરવા માટે જવાના છે તેઓ અમારા પરિવારને પણ મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.અન્ય મતદારોને પણ તેઓ અપીલ કરી રહ્યા છે કે આ લોકશાહીના પર્વમાં સૌએ સહભાગી બની પોતાનો પવિત્ર મત આપીને મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.સાથો સાથ તિલકવાડા તાલુકાના દેવલિયા ગામના નંદુબા રસુલખાં મલેક અને ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામના રાલીબેન શંકરભાઈ વસાવા જેઓ પણ શતાયુ મતદાતાઓ છે અને આ ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યાં છે.
  આમ.વિશ્વની સૌથી મોટી ભારતદેશની લોકશાહીના જતન અને સંવર્ધન માટે જિલ્લાના આ ૮૦ વર્ષ કે તેથી વધુ વયના સાથો સાથ પોતાના આયખાના નવ દશકા વટાવીને શતાયુની આરે લગોલગ પહોચેલાં અન્ય વડીલ,બુઝુર્ગ મતદારો આ વખતની ચૂંટણીમાં પણ મતદાન માટે પૂરી તત્પરતા સાથે સંકલ્પબધ્ધ બન્યા છે, ત્યારે સૌ કોઈ મતદારોને તેમનાં મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનની પવિત્ર ફરજ અદા કરવાનું લોકશાહીના આ સૈનિકોએ આહવાન કર્યું છે.