કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખાસ જનરલ નિરીક્ષક અજય નાયકે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરી.

Published on BNI NEWS 2022-11-26 15:09:19

  • 26-11-2022
  • 352 Views

  - કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખાસ જનરલ પોલીસ નિરીક્ષક દિપક મિશ્રાએ પણ જિલ્લામાં ઉભી કરાયેલી કાયદો અને વ્યવસ્થા અંગેની જરૂરી સમીક્ષા કરી. 
  ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ - ૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ ભરૂચ જિલ્લામાં તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ને ગુરૂવારના રોજ યોજાનારા મતદાન સંદર્ભે PWD, સિનિયર સિટીઝન, મહિલા, યુવા, થર્ડ જેન્ડર, ઓવરસીઝ અને સેવા મતદારો સહિતના તમામ વર્ગના મતદારોની વ્યવસ્થા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખાસ જનરલ નિરીક્ષક અજય વિ નાયક તથા પોલીસ નિરિક્ષક દિપક મિશ્રાએ તેમની ભરૂચ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરા સાથે પરામર્શ બેઠક યોજીને જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ઉક્ત મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા અને સુવિધાઓ અંગે ચર્ચા-વિચારણા કરી જરૂરી વિગતો મેળવી સમીક્ષા કરી હતી. 
  જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉક્ત બાબતો અંગે આંકડાકીય વિગતો સાથેની માહિતીથી કેન્દ્રીય ચૂંટણી પંચના ખાસ નિરીક્ષકોને વાકેફ કર્યા હતા.આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકાર એસ વી ગાંગુલીએ પણ વિસ્તૃત જાણકારી આપીને નિરીક્ષકોને માહિતગાર કર્યા હતા.
  કેન્દ્રીય ચૂંટણી પંચના ખાસ જનરલ નિરીક્ષક અજય વી નાયકે જિલ્લા ચૂંટણી અધિકારી તુષારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિધાનસભા બેઠકદીઠ, પ્રમુખ અધિકારી તથા મતદાન અધિકારીઓની તાલીમની પ્રસંશા કરી હતી.સ્વીપ એક્ટીવીટી અંતર્ગત જે તે ગામ-વિસ્તારના તમામ મતદારો દ્વારા અચૂક મતદાન થાય તે માટે મતદાન જાગૃત્તિ અંતર્ગત તમામ મતદારો મતદાનમાં ભાગ લે તેવા પ્રયાસો કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચના ખાસ પોલીસ નિરિક્ષક દિપક મિશ્રાએ પણ ચૂંટણી અંગે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રને સૂચન કર્યા હતા.   
  કેન્દ્રીય ચૂંટણી પંચના ખાસ નિરીક્ષકો સાથેની આ મીટીંગમાં પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ તથા જિલ્લા ચૂંટણી તંત્રની વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.